Thursday 12 June 2014

ચિત્તમાં લાગી ચોટ  

સૌજન્ય શ્રી શિવદાન ગઢવી


ભારતની ભોમકાને સલામ કરીને બીજા દેશની ધરાને અજવાળવા સૂરજનારાયણ દેવાંશી ઘોડાથી હંકારતા રથને સાબદો કરી રહ્યા છે. વહેલી સવારના વિહરવા નીકળેલાં વિહંગો દૂરદૂરના પંથેથી તેમના માળા ભણી આવી રહ્યાં છે. એવે ટાણે રાજકોટથી પંદર ગાઉની વાટયે સરધાર ગામને અડીને આવેલા શિવને આરાધતા ધારેશ્વર આશ્રમમાં શંખનાદ ફૂંકાયો, આરતીનો ઘંટારવ થયો અને ભક્તો હાથ જોડીને શિવને સ્મરવા લાગ્યા. પચ્ચીસેક વર્ષની વયનો ભગવો ભેખ ધારણ કરેલ યુવાન શિવના ધ્યાનમાં પોતાના અસ્તિત્વને ભૂલી જાય છે. છ મહિનાથી એણે ભીતરને ઢંઢોળવા માંડેલું. ચાર મહિનાથી તો રાત-દિવસ મૌન રહીને અંતઃ ચક્ષુઓથી શિવ અને જીવને એકાકાર કરવા મથે છે. આરતી પૂરી થાય છે ને ભક્તોનું ધ્યાન એ યુવાનના ચહેરા સામે મંડાય છે. આરતી પૂરી થતાં મૌનવ્રત તોડીને શિવના દરબારમાં મધુરા કંઠે એની આરઝૂના સૂર વહેવા લાગે છે.

ગુરુજીના નામની હો માળા છે ડોકમાં

ને આ ગીત પૂરું થતાં શંભુચરણે પડી માગું ઘડી રે ઘડી.આવાં બે ભજનો સંભળાવી ડોકમાં પહેરેલી માળાને હાથમાં લઈ ફરી આસન વાળીને શિવના સ્મરણમાં લીન બની જાય છે. હરિહરાનંદબાપુ જેમણે આ આશ્રમ સ્થાપેલો એના શિષ્ય રામેશ્વરાનંદે ચાર મહિના અગાઉની ઢળતી રાત્રિએ સંભળાવેલાં વેણથી એના ચિત્તમાં ચોટ લાગેલી!

બન્યું તો એવું હતું કે રિક્ષા ચલાવીને પોતાના કુટુંબનું ભરણપોષણ કરતા શક્તિદાન નામના જુવાનના કંઠે ગંગાના ખળખળ કરતાં નીરમાંથી ઉત્પન્ન થતાં રવ જેવું માધુર્ય હતું. એનો વાણીપ્રવાહ વહેવા લાગે ત્યારે માનવમેદની ડોલવા માંડે. ભજનની એક એક કડી માનવીના અંતરના તાર ઝણઝણાવે તેવા ભાવમાં ભણકારા ભણતી. ગુરુર્પૂિણમાના દિવસે આશ્રમનું પ્રાંગણ ભક્તોની ભાવનાથી ગુંજતું હતું. આશ્રમનું મઘમઘતું વાતાવરણ, આભમાંથી અમૃત રેલાવતો ર્પૂિણમાનો ચાંદ અને શક્તિદાનનો કંઠ ભક્તિનો ત્રિવેણીસંગમ રચતાં.

હજુ તો એ ગુરુર્પૂિણમાને છ જેટલા જ મહિના વીત્યા હશે. ભક્તો, શક્તિદાનના કંઠેથી ભજનોની વાણી સાંભળવા આશ્રમના પ્રાંગણમાં ગોઠવાઈ ગયા હતા. તેવામાં જ લેંઘો અને ઝભ્ભો ધારણ કરેલા યુવાને આશ્રમમાં પગ દીધો. રામેશ્વરાનંદ પણ ત્યાંના ઓટલા ઉપર આવીને બેસી ગયેલા. જેવો એ યુવાન રામેશ્વરાનંદની નજીક આવે છે ને એમણે સંભળાવ્યું, ‘આ રીતે ગંધાતા મોંએ અહીં નહીં આવવાનું. આશ્રમમાં દારૃ પીને આવનારને સ્થાન નથી.

‘‘બાપુ, મને દારૃનો નશો નથી ચડતો’’ યુવાને બચાવ કરતાં કહ્યું.

‘‘એ ગમે તે હોય, પરંતુ આ આશ્રમમાં આવી રીતે તમે આવી નહીં શકો.’’

‘‘આ નશાથી તો હું દુનિયાદારીનાં દુઃખો ભૂલીને મારા ચિત્તને ઈશ્વરમાં પરોવું છું.’’

‘‘એ તો ભ્રમણા છે. એ સાચો રસ્તો નથી! રામેશ્વરાનંદે છેલ્લા શબ્દો સંભળાવ્યા ને યુવાનને કહ્યું, ‘‘તો હું આશ્રમની બહાર સામે આવેલી વાવના કાંઠે બેસીને મારી વાણીને વહેતી કરીશ.’’ એટલા શબ્દો સાથે તબલચી અને ઢોલકવાળાને લઈને ગુરુર્પૂિણમાની એ રાતે ભજનોના સૂરને વહેતા કર્યા. જાણે આભ ધરા કાન માંડીને સાંભળવા લાગ્યાં.

આશ્રમમાં ખડકાયેલો માનવમહેરામણ ઊમટીને વાવની આસપાસ ગોઠવાઈ ગયો. રામેશ્વરાનંદ સિવાય કોઈ આશ્રમમાં ન હતું! આખી રાત મેદની એ વાણીમાં રસતરબોળ બની ભળભાંખળે યુવાન ઊભો થયો ને હાજર મેદનીના કાને વેણ સંભળાણાં. ‘‘આજથી દારૃને અડું તો મને ચાર હત્યાનું પાપ છે, સંસારને પણ છેલ્લા જુહાર કરું છું.’’ ભક્ત મહેરામણ સ્તબ્ધ બનીને રંગ દેવા માંડયો.

મૂળ તો સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના ગઢડા તાલુકા મથકેથી સાત ગાઉ જેટલા દૂર આવેલા આંકડિયા ગામનો આ લાંગાવદરા શાખાનો મહીદાન ચારણનો દીકરો. કંઠના કામણે એ રેડિયો કલાકાર તરીકે જાણીતો બનેલો અને એના હૈયામાં શ્રેય ને પ્રેયનો મહાસાગર ઘૂઘવાટા કરવા માંડયો. ભગવો ભેખ ધારણ કરીને ઘરેથી નીકળી પડયો. ન કંઈ વાત ન કંઈ ભલામણ! થોડો સમય માંદગીના બિછાને રહ્યો.

આ આશ્રમમાં આવીને સંન્યાસી સ્વરૃપે એણે રામેશ્વરાનંદને પ્રણામ કરી ભોળા શંભુની આરાધના આરંભી. રાતદિવસ મૌન રહી ચિત્તને ઈશ્વર સાથે એકાકાર કરવામાં લીન બને છે. એક રાત્રિએ હૈયામાં દિવ્ય અનુભૂતિ લઈને ધારેશ્વરથી નીકળીને ગોંડલની નજીક લીલાખા ગામે પહોંચે છે. શક્તિદાન નામની વ્યક્તિ મરી ગઈ અને નારાયણ સ્વામીતરીકે તે ઉજાગર થયા. પંથકના માણસો પગે પડવા માંડયા. લીલાખામાં આશ્રમ સ્થપાયો.

નારાયણ સ્વામીનાં ભજનોની ગામેગામે હેલી મંડાણી. તેમનું નામ પડતાં ભજનનાં સ્થળોએ લાખોની મેદની ખડકાઈ જતી. એમના કંઠ સાથે આત્માના તાર ઈશ્વરની ઐક્યતામાં ગૂંથાયે જતા હતા. બેઠી દડી, થોડું ભરાવદાર શરીર અને અંગ ઉપર ભગવાં વસ્ત્રો ધારણ કરીને રાતોની રાત એમણે પ્રભુભક્તિથી ગજવી દીધી.

ત્યાંથી થોડા સમયે જૂનાગઢ આશ્રમ સ્થાપ્યો ને છેલ્લે કચ્છમાં બિદડા તેમજ માંડવી નજીક ચકલેશ્વરમાં તેમનો આશ્રમ ગાજતો થયેલો. તેઓ કેવળ ગાયક ન હતા, પરંતુ એમણે રચેલાં ભજનો આજેય કચ્છ સૌરાષ્ટ્ર પંથકમાં અને અન્યત્ર કેસેટમાં પણ સંભળાય છે.

નારાયણ સ્વામીનામના એ સંતે વિદાય લીધી ત્યારે કેટલાંયની આંખોમાં ખળભળ કરતી અશ્રુધારાઓ વહેલી.


No comments:

Post a Comment